Pida Bamni

જેમ દવા કરું તેમ પીડા બમણી,
કાળજે પડી એક ઘટના નમણી.
એક આંસુ ખોવાયું સમંદરમાં,
મૂળ ખારું,તેમાં ખારાશ ભળી.
રસ્તા શોધ્યા અમે ચાંદ સુધીના,
કેડી એકેય જાય, ના ઘર ભણી.
સમય હતો ત્યારે લ્હાણી કરી,
હવે શ્વાસ પણ લઉં  ગણી ગણી.

ખિસ્સું નથી, ખઝાનો છે !

ખિસ્સું નથી, ખઝાનો છે,

માણસ કેવો મઝાનો છે.

આઈનો પણ ઓળખે નહીં,

કિસ્સો કેવો સઝાનો છે.

માપવો એમ સહેલો નથી,

માણસ મોટા ગજાનો છે.

જરૂર દવા અકસીર હશે,

પણ જાદુ એની દુઆનો છે.

થોડી આગ હૃદયની ને,

થોડો વાંક હવાનો છે.

સાવ હસવામાં ઉડાડી ના દેતા અમારી વાત !

સાવ  હસવામાં  ઉડાડી ના દેતા અમારી વાત,
અમે તો મોર, કોકિલ, ચાતક,બુલબુલની જાત.
પીંછામાં ગગન ભરીયે, અને આંખોમાં સપના,
અમે લાલચટ્ટક લોહીમાં ભળતા ટહુકાની જાત.

વૃક્ષને ભાગો નૃત્ય વડે

વૃક્ષને ભાગો નૃત્ય વડે,
જીવનને ભાગો મૃત્યુ વડે,
પછી કઈ વધે શેષ તો કેજો.
સમયને ભાગો ગતિ વડે,
મનને ભાગો મતિ વડે,

પછી કઈ વધે શેષ તો કેજો.
દ્રશ્યને ભાગો આંખ વડે,
પક્ષીને ભાગો પાંખ વડે,
પછી કઈ વધે શેષ તો કેજો.
મંઝીલને ભાગો રાહ વડે,
દર્દને ભાગો આહ વડે,

પછી કઈ વધે શેષ તો કેજો.

વસંતની શરૂઆત થઇ છે !

ઈશ્વર તારી મહેફિલમાં જો કેવી રજૂઆત થઇ છે,
વૃક્ષરૂપી અક્ષરો પર વેલીઓ અનુસ્વાર થઇ છે.
કુંડે કુંડે હાઈકુ,ને ગઝલ સ્વરૂપ બાગ બગીચા,
ચોગમ અછાંદસ જંગલોની જો જમાવટ થઇ છે.
વગડે કેસરિયો ફાલ જાણે ઉડે અબીલ ગુલાલ,
ખુલ્લેઆમ પ્રેમ,ઇશ્ક,પ્રણયની છણાવટ થઈ છે.
કૂપણોના કલશોરમાં ભળતી કોકિલની કિકિયારી,
પાગલ ન થા તો સમ છે,વસંતની શરૂઆત થઇ છે.

અબ ઘડી મુજને ભલે ને મરણ મળે

અબ ઘડી મુજને ભલે ને મરણ મળે,
અરજ એટલીજ કે તમારું શરણ મળે.
ભલે છેટા રહો તમે,ભલેને દુર રાખો,
કરો કૃપા એટલી,માંગુ તો કારણ મળે.
હો સમસ્યા અટપટી ને કસોટી આકરી,
ડગે શ્રદ્ધા પહેલા, એનું નિવારણ મળે.
સહરામાં દોડ્યા બેફામ એટલે જ કે,
કદાચ આગળ જતા ફરી સાવન મળે.
દ્રવ્ય છીએ,પ્રેમથી ઓગળી જવાના,
જરીક હુંફાળા જ્યાં કોઈ દ્રાવક મળે.

આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે

આ જિંદગીનો આપણો છેલ્લો પ્રવાસ છે,

મળી  લે મન ભરીને તું, છેલ્લા શ્વાસ છે.

મળવું હર જનમમાં એ કોને હાથ છે ?,

કાફી જનમ આ એક  જો,તારો સંગાથ છે.

બળવું કે પ્રકાશવું એ તું જલ્દી નક્કી કર. 

ઇંધણ મળ્યું છે માપનું ને ટૂંકી વાટ છે.

હો વાત જ્યાં હૃદયની સીધી હૃદયને સંગ,

અલંકાર કે છંદની પછી શું વિસાત છે ?

 છો સમંદર સાત ને   નાની હો નાવડી,

તરી જઈશું આપણી તો ખારવાની જાત છે.